ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન આકાશ અંશત: વાદળછાયુ થી મુખ્યત્વે ચોખ્ખું રહેવાની સંભાવના છે તથા 02 થી 03 માર્ચ દરમિયાન છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદ પડવાની સંભાવના છે. માવઠાના હવામાનના લીધે રવિ પાકમાં રોગ, જીવાત આવવાની શક્યતા છે.
મહેસાણા જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં આગાહીના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હાલ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. કૃષિ ભવન અને હવામાન વિભાગ દ્વારા આજે ખેડૂત બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું.
મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રવિ પાકમાં ચણા, ઘઉં, રાયડો, એરંડા તેમજ અન્ય વર્ગનું વાવેતર કરવામાં આવ્યું છે.
ચણાના પાકમાં લીલી ઇયળ તથા એરંડામાં લશ્કરી ઇયળના કુદરતી નિયંત્રણ માટે પક્ષીઓને બેસવા માટે ટી આકારના ટેકા મુકવા જોઇએ. તેમજ 3 થી 4 ફેરોમેન ટ્રેપ ગોઠવવાથી તેનું નિયત્રંણ શક્ય બને છે.
તેમજ જીરુંમાં ચરમી રોગ આવેલ હોય તો મેંકોઝેબ દવાનો છંટકાવ કરવો જોઇએ. જેથી રોગનો ચોક્કસ ઈલાજ થઈ શકે છે.
કપાસમાં છેલ્લી વીણી પછી કરાંઠી સળગાવવી નહીં. પરંતુ રોટાવેટર, મોબાઇલ ચોપરથી નાના ટુકડા કરીને જમીનમાં દાંટી દેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાત બટાકા અને રાઈ પાકની સમયસર કાપણી કરવી અને ઉનાળુ બાજરી અને મગફ્ળીની વાવણી માટેની કામગીરી હાથ ધરવી જોઇએ.
ખેત-પેદાશોને સુરક્ષિત જગ્યાએ મુકવી અથવા ઢાંકીને રાખવી જોઇએ. હવામાન આગાહીને ધ્યાને લઇ પરિપક્વ શિયાળુ પાકોની ખુલ્લા હવામાનમાં કાપણી કરવી જોઇએ.