કેરળ કેડરના 1989 બેચના IPS અધિકારી નીતિન અગ્રવાલને રવિવારે રાત્રે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના નવા ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પોસ્ટ લગભગ પાંચ મહિનાથી ખાલી હતી.
કોણ છે નીતિન અગ્રવાલ?
જણાવી દઈએ કે, નીતિન અગ્રવાલ હાલમાં દિલ્હીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) હેડક્વાર્ટરમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ ઓપરેશન્સ તરીકે પોસ્ટેડ છે. કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી) દ્વારા મોડી રાત્રે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે અગ્રવાલને બીએસએફના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બીએસએફના મહાનિર્દેશકનો હવાલો કોની પાસે હતો?
પંકજ કુમાર સિંહ 31 ડિસેમ્બર, 2022 ના રોજ નિવૃત્ત થયા પછી BSF વડાનું પદ પાંચ મહિનાથી વધુ સમયથી ખાલી હતું. ત્યારથી સીઆરપીએફ ડીજી સુજોય લાલ થૌસન બીએસએફનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે.
નીતિન અગ્રવાલની નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે BSF દિલ્હીમાં તેના બાંગ્લાદેશી સમકક્ષ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) સાથે દ્વિવાર્ષિક ચાર દિવસીય સરહદ વાટાઘાટો શરૂ કરે છે.
સુજોય લાલ થૌસન વાટાઘાટો માટે BSF પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે બાંગ્લાદેશ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ BGB DG મેજર જનરલ એકેએમ નજમુલ હસન કરી રહ્યા છે.