કર્ણાટકમાં સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર ફરી દિલ્હી પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ, બંને રાજ્યમાં કેબિનેટ વિસ્તરણ અને વર્તમાન મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડને મળશે. કર્ણાટકમાં, સિદ્ધારમૈયા અને શિવકુમારે 20 મેના રોજ આઠ પ્રધાનો સાથે અનુક્રમે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. જો કે હજુ સુધી આ મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી નથી.
સીએમ પદ બાદ મંત્રી પદ માથાના દુખાવા સમાન બન્યું છે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી હાઈકમાન્ડે શપથ ગ્રહણ સમારોહ પહેલા દિલ્હીમાં ગત સપ્તાહે યોજાયેલી બેઠકમાં આઠ મંત્રીઓની પ્રથમ યાદીને મંજૂરી આપી હતી. જો કે, પ્રથમ કેબિનેટમાં ઘણા વધુ ધારાસભ્યોને સામેલ કરવાની યોજના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે કેટલાક નામો પર મતભેદ હતા. સિદ્ધારમૈયા માટે, નવા મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી અને તમામ સમુદાયો, પ્રદેશો, જૂથો અને નવી અને જૂની પેઢીના ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતા મંત્રીમંડળની રચના એ એક પડકારજનક કાર્ય છે.
કેબિનેટમાં 34 લોકો સામેલ થઈ શકે છે
કર્ણાટક કેબિનેટમાં મંત્રીઓની મંજૂર સંખ્યા 34 છે. આ જોતા અનેક નેતાઓ મંત્રી બનવાની રેસમાં સામેલ છે. જણાવી દઈએ કે, આ પહેલા ઘણા દિવસો સુધી સીએમ પદ માટે જંગ ચાલી રહ્યો હતો. ઘણી મીટિંગો અને ફોન કોલ્સ પછી સિદ્ધારમૈયાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. આ સાથે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને અઢી વર્ષ માટે સીએમ પદ આપ્યું છે. આ પછી શિવકુમારને સીએમ બનાવવામાં આવશે.