બુધવારે સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં હરિયાણા અને રાજસ્થાનમાં 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે.
રાજસ્થાન પોલીસની ટીમ પણ NIAને તપાસમાં સહયોગ કરી રહી છે. રાજ્ય પોલીસના અધિક મહાનિર્દેશક દિનેશ એમએનએ આ મામલાની તપાસ માટે જયપુરના અધિક પોલીસ કમિશનર કૈલાશ બિશ્નોઈના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી હતી.
5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને તેમના ઘરે પહોંચેલા ત્રણ બદમાશોએ તેમના પર 15થી વધુ ગોળીઓ ચલાવી હતી. સ્કૂટર પર આવેલા બે બદમાશોએ સુખદેવસિંહ ગોગામેડી સાથે મળવાના બહાને વાત કરી હતી. લગભગ 10 મિનિટ સુધી વાત કર્યા બાદ બંને બદમાશોએ ગોળીબાર કર્યો હતો.
આ હત્યાને લઈને રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજપૂત સમુદાયના લોકોએ રાજસ્થાન અને એમપી સહિત ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કર્યું અને ગુનેગારોને કડકમાં કડક સજાની માંગ કરી.