મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે પોતાના એક જિલ્લાનું નામ બદલી નાખ્યુ છે. અહેમદનગરનું નામ હવે ‘અહિલ્યાદેવી નગર’ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કેબિનેટની તેને મંજૂરી મળી ગઇ છે. આ પહેલા ઓરંગાબાદનું નામ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણીને જોતા મહારાષ્ટ્ર સરકારનું આ પગલું હિન્દૂ વોટ બેન્કને સાધવાની દિશામાં મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કેટલાક મોટા બદલાવની પણ શરૂઆત કરી છે. મુખ્યમંત્રી શિંદેએ પોતાની નેમ પ્લેટ પણ બદલી નાખી છે અને કહ્યું કે તમામે આવી જ નેમ પ્લેટનો ઉપયોગ કરવો જોઇએ. સીએમ શિંદેએ પોતાની નેમ પ્લેટમાં પિતાની સાથે સાથે માતાનું નામ પણ જોડી લીધુ છે. સીએમની નવી પ્લેટ પર હવે તેમનું નામ ‘એકનાથ ગંગુબાઇ શંભાજી શિંદે’ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના કાર્યાલયમાં લાગેલી નેમ પ્લેટ બદલવાની સાથે તમામ મંત્રીઓએ પોતાના નેમ પ્લેટ બદલવાની કવાયત શરૂ કરી દીધી છે. શિંદે તરફથી કહેવામાં આવ્યું છે કે જન્મ આપીને પેદા કરનારાઓને પગ પર ઉભા કરવા સુધી એક માતાની ભૂમિકા પિતા કરતા વધારે હોય છે, નામમાં માતાની ઝલક પણ બતાવવી જોઇએ.
લોકસભા ચૂંટણીમાં NDA અંતર્ગત મહારાષ્ટ્રમાં ભાજપનું શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપી સાથે ગઠબંધન છે. એવામાં સીટ શેરિંગને લઇને ત્રણેય પાર્ટી વચ્ચે એકબીજા સાથે વાતચીત ચાલી રહી છે. તાજેતરના દિવસોમાં મુખ્યમંત્રી શિંદે અને અજિત પવાર દિલ્હીમાં સીટ શેરિંગ પર વાતચીત માટે ભાજપના ઉચ્ચ અધિકારીઓ સાથે જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠક છે. દિલ્હીમાં સરકાર બનાવવા માટે ભાજપ માટે મહારાષ્ટ્રનો કિલ્લો જીતવો ઘણો જરૂરી છે.