કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 19 માર્ચ- રવિવારના જૂનાગઢના મહેમાન બનશે. તેઓ યાર્ડમાં કિસાન ભવનનું લોકાર્પણ કરશે. જોકે, ઉપરકોટનું લોકાર્પણ થશે નહિ! શહેરના દોલતપરા સ્થિત માર્કેટિંગ યાર્ડમાં કિસાન ભવનનું નિર્માણ કરાયું છે જેનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 19 માર્ચ રવિવારના સવારના 10 વાગ્યે લોકાર્પણ કરશે.
જયારે પ્રાકૃત્તિક કૃષિ બજારનું ભૂમિપૂજન કરશે. જ્યારે પ્રાકૃતિક કૃષિ શિબીર યોજાશે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતી રહેશે. જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કની મુખ્ય કચેરી છે ત્યાં પાર્કિંગની સમસ્યા હોય સહકારી બેન્કનું શહેરના પોશ વિસ્તારમાં 1,186 વારની જગ્યામાં 4 માળનું સહકાર ભવન બંધાશે જેનું પણ ભૂમિપૂજન અમિતભાઇ શાહ કરશે. જ્યારે ગૃહમંત્રીના 19 માર્ચના કાર્યક્રમને લઇને યાર્ડના તમામ વેપારીઓ 17 અને 18 માર્ચે વેપારી કામકાજ બંધ રાખશે.કાર્યક્રમને સફળ બનાવવા યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલના માર્ગદર્શનમાં ટીમ કામ કરી રહી છે.