એક મોટું પગલું ભરતા કેન્દ્ર સરકારે 14 મેસેન્જર મોબાઈલ એપ્લીકેશન બ્લોક કરી દીધી છે. કેન્દ્ર સરકારે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ભલામણ બાદ આ નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ આ મેસેન્જર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ગુપ્ત સંદેશાઓ મોકલતા હતા. આતંકવાદીઓ આ એપ્સનો ઉપયોગ કાશ્મીરમાં તેમના સમર્થકો અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) સાથે વાતચીત કરવા માટે કરી રહ્યા હતા.
આ મેસેન્જર એપ્સ બ્લોક કરી છે-
આ એપ્સમાં Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO (IMO જેવી એપ્સ), એલિમેન્ટ, સેકન્ડ લાઇન, ઝાંગી, થ્રીમાનો સમાવેશ થાય છે.
ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર આ એપ્સ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં હાજર આતંકીઓને કોડેડ મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા.
આતંકવાદીઓના કોમ્યુનિકેશન નેટવર્ક પર પ્રતિબંધ
છેલ્લા કેટલાક સમયથી સરકાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના કોમ્યુનિકેશન નેટવર્કને રોકવાનો પ્રયાસ કરી રહી છે. જે એપ્સ બ્લોક કરવામાં આવી છે તેના સર્વર અલગ-અલગ દેશોમાં છે જેના કારણે તેમને ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે છે. એપ્સમાં મળેલા ભારે એન્ક્રિપ્શનને કારણે આ એપ્સને અટકાવવાનો કોઈ રસ્તો નથી.