વડોદરામાં ગોરવા ખાતે ઉડેરા રોડ ઉપર અગાઉની અદાવતે ફિલ્મી ઢબે હુમલાની ઘટના સામે આવી છે. ઈંટોનો ભઠ્ઠો ધરાવતા વેપારીની કારને ઓવરટેક કરી રોકી બે કારમાં સવાર છ હુમલાખોરોએ કારનો કાચ તોડી નાંખ્યો હતો. વેપારીને કારમાંથી બહાર કાઢી લોખંડના પાઇપ અને લાકડાના ડંડા વડે મારમારી જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વેપારીને બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે હુમલાખોર કારમાંથી 1.52 લાખની રોકડ ભરેલ થેલીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
શહેરના ગોરવા વિસ્તારમાં રહેતો મહંમદ આરીફખાન પઠાણ આકલાવ તાલુકાના ઉમેટા ગામમાં ઈંટોનો ભઠ્ઠો ધરાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે સાંજે મારી કારમાં હું તથા મારા કાકાનો દીકરો રાશિદ તેમજ મિત્ર મુજીક ઉમેટા ખાતે જવા નીકળ્યા હતા. મારી કારમાં સફેદ થેલીમાં રોકડા 1.52 લાખની રોકડ હતી. ચંદન ટોકીઝ પાસે બે કાર અમારો પીછો કરી રહી હતી. શંકા જતા મેં તુરંત કાર પરત વડોદરા તરફ રિટર્ન હંકારી હતી.
આ દરમિયાન ગેઈલ કંપની પાસે એક સફેદ કલરની ક્રેટા કાર ચાલકે મારી કારને ઓવરટેક કરી આગળ આડી ઊભી રાખી દીધી હતી. જેમાંથી તારીક ખાન લોખંડની પાઇપ સાથે બહાર આવ્યો હતો. અને કારના કાચ ઉપર ફટકો માર્યો હતો. તેની સાથે કાસમખાન, મોનું અને કેસર ખાનએ મને કારમાંથી બહાર કાઢી માર માર્યો હતો. રોકડ રૂપિયાની થેલી પણ ઝૂંટવી લીધી હતી. જ્યારે મારી સાથે રહેલ રાશિદ ખાન અને મુજિક ડરના માર્યા નાસી છૂટ્યા હતા.
આ સમયે બીજી કારમાં ઈરફાન ઉર્ફે મુછ તથા ગુલામ પઠાણ પણ ઘસી આવ્યા હતા. તમામે ભેગા મળી મને લોખંડની પાઇપો તથા લાકડાના ડંડા વડે માર માર્યો હતો. આ હુમલામાં મને બંને હાથ, પેટ , બરડા તથા બંને પગે ઈજાઓ પહોંચી છે. મને માથામાં લોખંડની પાઇપનો ફટકો મારતા હું બેભાન થઈ ગયો હતો. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે તારીક ખાન,કાસમ ખાન, મોનુ, કેસર ખાન, ઇરફાન ઉર્ફે મુછ અને ગુલામ પઠાણ વિરુદ્ધ લૂંટ, મિલકતને નુકસાની, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.