ગિરનાર ઉપર ગંદકીના મુદ્દે PIL હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે માટે હાઇકોર્ટ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકા વન વિભાગ અને વહીવટી તંત્રને નોટિસ આપી હતી. જે સંદર્બે સંયુક્ત કમિટી બનાવી અને રિપોર્ટ રજૂ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. જે બાબતે તંત્ર દ્વારા રિપોર્ટ તૈયાર કરી અને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેને હાઇકોર્ટ દ્વારા માન્ય રાખી આગામી જુલાઈ સુધીમાં સાઈન બોર્ડ તેમજ કચરા પેટીઓ મુકવા માટેની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેને લઈને અંબાજી મંદિર તેમજ દત્તાત્રેયથી આ સાઈન બોર્ડ મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જુલાઈ માસ સુધીના સમય દરમિયાન ગિરનાર પર્વત ઉપર ગંદકીના મુદ્દે નિર્દેશો જે જાહેર કરવામાં આવ્યા છે તે તમામનું પાલન કરવાની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.
જુનાગઢ ડીએફઓ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે, ગિરનારની સ્વચ્છતાને લઇ હાઇકોર્ટમાં એક વકીલ દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જેને લઇ હાઇકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટર ઓફિસ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગને આદેશ કરવામાં આવ્યા હતા કે ગિરનાર સ્વચ્છતા મામલે જોઈન્ટ એફિડેવીટ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરે જે અંતર્ગત જોઈન્ટ રિપોર્ટ હાઇકોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો હતો અને તે રિપોર્ટ અનુસાર જનજાગૃતિ અને સ્વચ્છતા મામલે હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો. જેને લઇ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા એફએમ તેમજ જુદા જુદા માધ્યમોથી ગિરનાર પર આવનાર પ્રવાસીઓ સ્વચ્છતા જાળવે તે માટે પ્રચાર પ્રસાર અને ગિરનાર પગથિયા પર ડસ્ટબિન, સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે, તેમજ ગિરનાર પર એક એજન્સી કાયમી માટે સફાઈ કરે તેનો ઉલ્લેખ પણ જોઈન્ટ રિપોર્ટમાં કરાયો છે.