કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા છે. અનિલે બીબીસી વિવાદ બાદ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસ સાથે મતભેદો બાદ પાર્ટી છોડી દીધી હતી.
અનિલ એન્ટોનીને આજે કેરળ પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રન બીજેપી હેડક્વાર્ટર લઈ ગયા હતા. જણાવી દઈએ કે અનિલ એન્ટનીએ કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC) ના સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પીએમ મોદી અને ગુજરાત રમખાણો પર બનેલી વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી પર એક ટ્વિટ કર્યું હતું, જે બાદlatest news પાર્ટીમાં વિવાદ થયો હતો.
અનિલ એન્ટોનીને આજે એક ઔપચારિક કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પીયૂષ ગોયલ અને વી મુરલીધરન અને પાર્ટીના કેરળ એકમના વડા કે સુરેન્દ્રન દ્વારા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. સભ્યપદ લીધા બાદ અનિલ એન્ટોનીએ પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસનો દરેક કાર્યકર માને છે કે તે એક પરિવાર માટે કામ કરે છે, પરંતુ હું માનું છું કે હું કોંગ્રેસ માટે કામ કરતો હતો. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામથી ઘણો પ્રભાવિત થયો છું.
જણાવી દઈએ કે અનિલ કોંગ્રેસ નેતા શશિ થરૂરના ખૂબ નજીક રહ્યા છે. તેમણે રાજીનામા પત્રમાં પણ થરૂરનો આભાર માન્યો હતો. તેઓ હંમેશા કોંગ્રેસના મુખ્ય પ્રવાહના રાજકારણથી દૂર રહ્યા, પરંતુ હંમેશા મોટા મુદ્દાઓ પર બોલ્યા.