ગિરનાર પર આજ સુધી ટનો કચરો નીકળતા જ્યાં લોકો ખૂબ દુખી અને ચિંતા માં છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે PIL થઈ, જેમાં હાઈકોર્ટના આદેશ બાદ કલેકટર, વનતંત્ર અને મનપાએ સંયુકત સોગંદનામું કર્યું હતું. પ્રથમ સોગંદનામામાં દર 100 પગથીયે સફાઈ કર્મચારી મુકવાની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. બાદમાં સફાઈ માટેની કામગીરી બે વર્ષમાં આઠ વાર જ કરવાની તૈયારી બતાવી હતી. આ પ્રથમદર્શી વિરોધાભાસ વચ્ચે મળેલી માહિતી મુજબ આજે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે ગિરનારની સફાઈ મુદ્દે કોર્ટ કમિશનની નિમણૂક કરી છે. હવે કોર્ટ કમિશન જાતે જ ગિરનારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરશે.
ગિરનાર અભયારણ્ય પર પ્લાસ્ટીકની ગંદકીના ગંજ ખડકાયા હતા. પરંતુ ગિરનારની સફાઈ મુદ્દે સરકારના એકપણ વિભાગે જવાદારી સ્વીકારી સફાઈ કરાવી ન હતી. માત્ર એનજીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરી ગિરનારને પ્લાસ્ટીક મુકત રાખવા પ્રયાસ થાય છે. આ ગંભીર મુદ્દે હાઈકોર્ટમાં વકિલ અમીત પંચાલ દ્વારા PIL કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે એક બાદ એક સુનાવણી દરમ્યાન સરકારને ગિરનારની સફાઈ માટેનું આયોજન કરવા આદેશ કર્યો હતો. જે અંતર્ગત સ્થાનિક તંત્રએ ગિરનારની સફાઈ માટેનો સુઝાવ આપ્યો હતો.
જેમાં દર 100 પગથીયે એક સફાઈ કર્મચારી રાખવામાં આવે તો ગિરનારને પ્લાસ્ટીક મુકત રાખી શકાય તેમ હોવાનું સોગંદનામું કર્યું હતું. સફાઈની જવાબદારી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવામાં આવી હતી. તેણે સફાઈ માટેનો બે વર્ષનો કોન્ટ્રાકટ આપી દીધો જેમાં ગિરનારની બે વર્ષમાં માત્ર આઠ વાર સફાઈ કરવામાં આવશે એમ જણાવાયું, તેના માટે રૂા. 40.82 લાખનો ખર્ચ થશે. આ સોગંદનામા બાદ આજે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી બાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસની બેંચ દ્વારા ગિરનારની સફાઈ મુદ્દે કોર્ટ કમિશનની નિમણુંક કરવામાં આવી છે. કોર્ટ કમિશન તરીકે દેવાંગી સોલંકીની નિમણુંક કરવામાં આવી છે. કોર્ટ કમિશન આગામી સમયમાં રૂબરૂ જૂનાગઢ ગિરનાર પર્વતની મુલાકાતે લઈ ઈન્સ્પેકશન કરશે.
કોર્ટ કમિશનની મુલાકાત દરમ્યાન મનપા અને કલેકટર તંત્રના અધિકારીઓને સાથે રાખવામાં આવશે. ત્યારબાદ ગિરનારની સમગ્ર સ્થિતિ અંગેનો ચિતાર મેળવી તા.૮ નવેમ્બરે હાઈકોર્ટમાં કોર્ટ કમિશન દ્વારા રિપોર્ટ કરવામાં આવશે. પીઆઈએલ કરનાર વકિલને આ અંગેના કેસ કાગળો કોર્ટ કમિશનને આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટ કમિશનની સાથે PIL કરનાર અરજદાર વકિલ પણ ગિરનારની સફાઈ અંગે મુલાકાત કરી શકશે. હાલ તો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ કોન્ટ્રાકટ મુજબ કામગીરી કરવી કે કેમ ? તે અંગેનો હજુ સુધી કોઈ કોર્ટે નિર્ણય કર્યો નથી.