Holi 2024: રંગોના પર્વ ધુળેટીને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના બજારોમાં વિવિધ વેપારીઓ દ્વારા અલગ-અલગ વેરાઈટીની પિચકારીઓનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પિચકારીના ભાવોમાં કોઈ જ ભાવવધારો નોંધાયો ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આ વર્ષે નવા આવેલ કલર ફાઉન્ટેઈને બાળકો સહિત મોટેરાઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે.
ફાગણ સુદ પૂનમના દિવસે હોલીકા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. પર્વને લઈને લગભગ સપ્તાહ પૂર્વે આણંદ જિલ્લાના બજારોમાં ધાણી, ચણા, ખજૂર, સેવ, હાયડા વગેરેનું વેચાણ શરૂ થઈ ગયું હતું.
જો કે ચાલુ વર્ષે હોલીકા દહન માટે લોકોમાં તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે પરંતુ આણંદ જિલ્લાના મોટાભાગના સ્થળોએ રવિવારે હોલીકા દહનના કાર્યક્રમ યોજાશે.
સાંજના સુમારે ઠેરઠેર પૂજા, અર્ચના કર્યા બાદ હોલીકા દહન કાર્યક્રમમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લેશે. સોમવારના રોજ સમગ્ર આણંદ જિલ્લામાં ધુળેટી પર્વની ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવશે.
ધુળેટી પર્વ દરમ્યાન લોકો એકબીજા ઉપર ગુલાલ તેમજ રંગ છાંટી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે ધૂળેટી પર્વને અનુરૂપ વિવિધ પ્રકારની પિચકારીઓ તેમજ રંગ ગુલાલનું વેચાણ શરૂ થઈ ગયું છે.
આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા ગુલાલ તેમજ પિચકારીઓના તંબુ તાણી દેવાયા છે.
હોળી-ધૂળેટી પર્વને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના ભૂલકાંઓમાં વિવિધ કાર્ટુનવાળી પિચકારીઓ હોટ ફેવરીટ છે. જો કે ચાલુ વર્ષે બજારમાં નવા આવેલ કલર ફાઉન્ટેઈને લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.